
સુરત, 22 મે : પ્રતિ વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં સ્વ. શ્રી ભીખુભાઇ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે તા.20મી જૂન-2023 મંગળવારના રોજ 38મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે આ રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને સુભાષનગર સ્થિત ભગવાન શ્રી જગન્નાથજી મંદિર તેમજ શ્રી ભગવાનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ્યાં રથ બિરાજમાન છે તે શેડ પાસે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પ્રતિ વર્ષ એક મહિના અગાઉ રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ધ્વજરોહણનો કાર્યક્રમ પ.પૂ સંતો, મહંતો,વિવિધ સંગઠનોના પદાધિકારીઓ, અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે.આ પરંપરા મુજબ આજે 22મી મે-2023 સોમવારના રોજ રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ધ્વજરોહણનો કાર્યક્રમ શહેરના સત્યનારાયણ રોડ, સત્યનારાયણ મંદિર પાસે પ.પૂ.મ.મં શ્રી ગરીબરામ બાપુ, પ.પૂ.મહંત શ્રી જયદેવરામ બાપુ, પ.પૂ. શ્રી કે.પી.સ્વામી, પ.પૂ.શ્રી વિષ્ણુસ્વામી, પ.પૂ.શ્રી વેણુગાયકદાસ પ્રભુ તથા સાંસદ ડો. ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાવનગર શહેર ભાજપ અઘ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકોની બહોળી ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે કાર્યકર્તાઓના અભુતપુર્વ ઉત્સાહ સાથે ” જય જય જગન્નાથ “ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ પ્રસંગોચિત સંબોધિત કરી સૌને આવકાર્યા હતા.કાર્યક્રમના અંતમાં મહાપ્રસાદનો સૌ કોઈએ લાભ લીધો હતો.

આ ધ્વજરોહણ અને ઉદ્ઘાટન પ્રસંગે મહાપ્રસાદના યજમાન તરીકે દેવાભાઇ સાટીયા પરિવાર ( કાળીયાબીડ ) વાળાએ ધર્મલાભ લીધો હતો.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભાવનગરની રથયાત્રા સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમાંકે અને ગુજરાતમાં કર્ણાવતી બાદ બીજા ક્રમાંકે છે.કદ અને લંબાઈની દ્રષ્ટિએ ખુબ જ મોટી રથયાત્રાનું પ્રતિ વર્ષ આયોજન થાય છે.

આગામી એક મહિના સુધી ભાવનગર હવે કેસરિયા રંગે રંગાશે, ઠેર-ઠેર રામદરબાર, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે.પ્રતિ વર્ષ રથયાત્રા સમિતિ દ્વારા યાત્રાના રૂટ પર અને શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક કટ આઉટ મુકવામાં આવે છે.આ વર્ષે પણ શહેરના હાર્દ સમાન ઘોઘાગેઈટ ખાતે કાનુડાનું વિશાળ કટ આઉટ નિયત સ્થાન પર ગોઠવી દેવામાં આવ્યું છે.

રથયાત્રાના 17.5 કિલોમીટરના રૂટ પર કેસરી ધ્વજ લગાડવાનું કાર્ય કાર્યકર્તાઓ દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. ભાવેણા માટે સૌથી મોટો કોઈ ઉત્સવ હોય તો તે છે શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. ત્યારે ,આ રથયાત્રાને શ્રદ્ધા, ભક્તિ અને શક્તિના સુભગ સમન્વય સાથે રંગે ચંગે મનાવવા ભાવેણાવાસીઓ થનગની રહ્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત