
સુરત, 22 મે : જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક-પાર્કિંગ સમસ્યાના નિરાકરણ માટે “સાઈકલ ટુ વર્ક” અભિયાન શરૂ કર્યું છે. જેમાં મનપા સહિત જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દર માસના પ્રથમ શનિવારે સાયકલ ચલાવી કચેરીએ આવશે. આગામી તા.3 જૂન-શનિવારે સૌ કર્મચારીઓ સાયકલસવારી કરી કચેરીએ આવશે અને આ અભિયાનનો પ્રારંભ કરશે.જાહેર કચેરીઓમાં કાર્યરત અધિકારી/કર્મચારીઓ મોટાભાગે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવાં પ્રાઈવેટ વ્હીકલમાં અવર-જવર કરતાં હોવાનું તેમજ કચેરીની નજીકના અંતરમાં નિવાસસ્થાન હોવા છતાં વાહનો લઈને કચેરીએ આવતા હોવાનું જણાતા જિલ્લા વહીવટીતંત્ર અને મનપાએ સાયકલનો ઉપયોગ વધારવા કર્મચારીઓને પ્રેરિત કરવાનું બીડું ઉઠાવ્યું છે. કચેરીઓમાં આવતાં અરજદારો તથા મુલાકાતીઓ પણ ખાનગી વાહન વ્હીકલ લઈને આવતા હોવાથી પાર્કિંગ લોટમાં વાહનોનો ભરાવો થઈ જવાથી ટ્રાફિક સહિતની ઘણી મુશ્કેલી સર્જાય છે. આ સમસ્યાનો પણ ઉકેલ મળે અને અધિકારી-કર્મચારીઓ ચાલીને અથવા સાયકલિંગ કરીને ઓફિસ આવે તો સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી થઈ શકે, ચુસ્ત, તંદુરસ્ત અને નિરોગી રહી શકે. હવા અને ધ્વનિ પ્રદૂષણમાં પણ ઘટાડો થાય, રસ્તા ઉપર ટ્રાફિક અને ભીડભાડ ઓછી થાય.

નવી પહેલ કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુરતની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓના કર્મચારીઓ તા.3 જૂન- શનિવારના રોજ સાયકલ ચલાવી અથવા પગપાળા ઓફિસ આવે અને કચેરીના અથવા વ્યક્તિગત સોશિયલ મીડીયા એકાઉન્ટ પર ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવા અનુરોધ કર્યો છે. જેથી આમજનતામાં જાગૃત્તિ આવે અને સાયકલિંગની પ્રેરણા મળે. આ અભિયાનમાં જોડાવા કર્મચારીઓએ મનપાની વેબસાઈટ www.suratmunicipal.gov.in અને સુરત સ્માર્ટ સિટીની વેબસાઈટ www.suratsmartcity.com ઉપર રજિસ્ટ્રેશન કરાવવા, પોતાનાં સોશિયલ મિડીયા એકાઉન્ટથી ફોટો/વિડીયો બનાવી, પાલિકાના MySurat પેજને ટેગ કરી અપલોડ કરવા અને હવેથી દર માસના પ્રથમ શનિવારે સાયકલનો ઉપયોગ કરવા કલેક્ટર દ્વારા જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત