
સુરત, 22 મે : ગરીબોનું સશક્તિકરણ કરી તેમની ગરિમામાં વૃદ્ધિ કરતી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ આધુનિક સુખ-સુવિધાઓથી સભર પાકું મકાન મેળવી અનેક પરિવારોના ‘પોતાના ઘર’નુ સ્વપ્ન સાકાર થયું છે. સુરતના અડાજણ વિસ્તારમાં 7-8 વર્ષોથી ભાડે રહેતા ગૌરી મનોજ રાઠોડનુ પણ ઘરના ઘરનું સ્વપ્ન હકીકત બન્યું છે.
આવાસ પ્રાપ્ત થવાની ખુશી ગૌરીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી. તેઓ છે કે, પતિના અવસાન બાદ બે બાળકોના ભરણ-પોષણ અને રોજિઁદી જરૂરિયાતોને પહોંચી વળવા તેમણે ઘરકામ દ્વારા આવકનો સ્ત્રોત ઊભો કર્યો. પરંતુ એકલા હાથે કમાણી અને બચત વચ્ચે સંતુલન જાળવવુ ખૂબ મુશ્કેલ હોવાથી માલિકીના ઘર માટે નાણાની જોગવાઈ કરવી અશક્ય હતી. સરકારની પી.એમ.આવાસ યોજના વિષે જાણ થતા તેમણે ફોર્મ ભર્યું અને ડ્રોમાં નામ લાગ્યું. 7-8 વર્ષોથી ભાડેના મકાનમાં રહ્યા બાદ શહેરના સારા વિસ્તારમાં પાણી લાઈન, ગેસ લાઈન તેમજ વીજળી કનેક્શન જેવી જરૂરી ભૌતિક સુવિધાયુક્ત આવાસથી મારૂ અને બાળકોનું જીવનધોરણ સુધરશે. હવે ભાડું ભરવું નહીં પડે એટલે બચેલા પૈસાને બાળકોના ભણતર-ગણતર માટે ઉપયોગ કરી શકીશ. મને ઉજાલા યોજના હેઠળ વીજળીનું કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન, નલ સે જલ યોજના પાણી કનેક્શન પણ મળ્યું છે. જીવન જીવવાની પ્રાથમિક જરૂરિયાતો સરકારની આવી યોજનાઓથી સરળતાથી ઉપલબ્ધ બની છે.બાળકોના ભવિષ્યને લઈને નિશ્ચિંત બનેલા ગૌરી સરકારની વિધવા સહાય યોજનાનો લાભ પણ મેળવે છે, તેમજ કોરોનાકાળમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિ:શુલ્ક અનાજ મેળવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત