
સુરત, 5 જૂન : ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5મી જૂનની પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં એક અલગ જ પ્રકારની વનસ્પતિની પ્રજાતિ થાય છે. કુદરત દ્વારા મળેલી અનેકવિધ ભેટોમાંની એક અજોડ ભેટ એટલે ‘પ્રકૃતિની સંરક્ષણ દિવાલો’ કહેવાતા મેન્ગ્રુવના વૃક્ષો. જેને મેન્ગ્રુવ(ચેર) તરીકે ઓળખાય છે. ઓલપાડ તાલુકાના દાંડી ગામના દરિયાઈ કાંઠે સ્થિત હનુમાન મંદિર ખાતે ગૃહમંત્રી હર્ષ સંધવી સહિતના મહાનુભાવોએ મેન્ગ્રુવના વૃક્ષોનું વાવેતર કરીને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.
આ અવસરે મુખ્ય વન સંરક્ષક સુરત વર્તુળના ડો.કે.શશી કુમારે જણાવ્યું હતું કે, ચેર વનસ્પતિ દરિયા કિનારાનાં વિસ્તારોમાં ફ્રન્ટલાઈન તરીકે ભરતીઓટ, જોશીલા તોફોનો તેમજ તીવ્ર જળપ્રવાહો સામે રક્ષણ પુરુ પાડે છે. ખારા પાણીની વનસ્પતિ મેન્ગ્રુવ (ચેર) એ સૌથી વધુ કાર્બન શોષક વનસ્પતિ છે. એક હેકટરમાં 1100 મેન્ગ્રુવનું વાવેતર કરી શકાય છે. સુરત જિલ્લામાં એક વર્ષ દરમિયાન 200 હેકટર વિસ્તારમાં 2.20 લાખ મેન્ગ્રુવના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. દરિયાઈ વિસ્તારોના ધોવણો અટકાવવાની સાથે સાથે હવા પ્રદૂષણ અટકાવવામાં પણ મેન્ગ્રુવ વનસ્પતિ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ચેરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે. ચેરના જંગલો સુનામી જેવી સ્થિતિમાં દરિયા કાંઠાના વિસ્તારોના રક્ષણ માટે ઢાલ જેવું કામ કરે છે. સાથે સાથે ચેરના વૃક્ષો ખારા પાણીમાંથી મીઠાનું નિસ્યંદન કરીને પાણીના સ્ત્રોતનો સુધારો કરે છે. મેન્ગ્રુવના થડ અને મુળમાં દરિયાઈ જીવ સૃષ્ટિનું સંરક્ષણની સાથે સંવધન ખૂબ સારી થઈ રહ્યું છે.

ગુજરાત ઈકોલોજી કમિશનના મેનેજર લોમેશ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, મિસ્ટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામના દરિયા કિનારે મેન્ગ્રુવના વાવેતર કરીને વિશ્વ પર્યાવરણની દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મેન્ગ્રુવ અલગ અલગ વિસ્તારમાં વિવિધ નામથી પ્રચલિત છે. સુરત જિલ્લામાં મેન્ગ્રુવ તવર તરીકે ઓળખાય છે. દરિયાઈ વિસ્તારમાં રહેતા પશુપાલકો મેન્ગ્રુવ વનસ્પતિને લીલા ઘાસ ચારા માટે પણ ઉપયોગમાં લઈ રહ્યા છે. આ એક અલોપિય વનસ્પતિ છે જેનાથી દરિયાઈ વિસ્તારમાં મસ્ટકિપર, કડચલા, નાની માછલીઓનું વધુ પ્રમાણ જોવા મળે છે એટલે સાગરખેડૂતો માટે ખૂબ ફળદાયક બની રહી છે.
નોંધનીય છે કે, અંગ્રેજીમાં મેન્ગ્રોવ અને ગુજરાતીમાં ચેરના નામે ઓળખાતી વનસ્પતિ એકમાત્ર એવી છે કે જે દરિયાના ખારા પાણી અને કાદવિયા જમીનમાં ઉગે છે. ખારા પાણીવાળી જમીન અને દરિયાકાંઠાની વિશિષ્ટ આબોહવાને કારણે આ વનસ્પતિ પણ વિશેષતા ધરાવે છે. ચેરના જંગલો યાયાવર પક્ષીઓનું પ્રિય સ્થળ છે. ગુજરાતમાં મેન્ગ્રુવની છ પ્રજાતિઓ માંથી એવિસીનિયા મરીના, એવિસીનિયા ઓફિસીનાલીસ, રાઈઝોફોરા મ્યુક્રોનેટા, સિરિઓપ્સ ટગલ વધુ પ્રમાણમાં મળી આવે છે.

દાંડી કાંઠા તવર વિકાસ સમિતિના મહામંત્રી વિજય ખલાસીએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેરના વૃક્ષોના વાવેતર થકી કાંઠાના ધોવાણ અટકાવવાની સાથે પર્યાવરણનું પણ સંરક્ષણ અને સંવર્ધન થશે. સમુદ્ર કાંઠાના તીવ્ર પવનો, ક્ષારવાળા વાતાવરણ અને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં આ વનસ્પતિ ભરતી સમયે સમુદ્રના જોરદાર મોજાનો પણ સામનો કરી શકે છે. આ જંગલમાં વનસ્પતિના મૂળ કાદવ કીચડમાંથી જમીન તરફ ફેલાય છે. ઘણી વનસ્પતિને થડ હોતાં જ નથી. મૂળિયાના સમૂહ જ થડની ગરજ સારે છે.મેન્ગ્રુવ વનસ્પતિ પાન ઓછા અને મૂળ વધારે હોય છે. આ વનસ્પતિ પર્યાવરણ માટે ઉપયોગી છે. ખારા પાણીમાં ઘણી જાતની વનસ્પતિ થાય છે તેના મૂળ અડધા પાણીમાં અને બાકીના બહાર હોય છે. ખારા પાણીમાં વિકાસતી આ વનસ્પતિ મોટે ભાગે ઘાંસ જેવી લાંબી હોય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત