
સુરત, 8 જૂન : રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને “COLS AWARENESS PROGRAM”(CPR તાલીમ કાર્યક્રમ)ના અનુસંધાને આગામી તા.11 જુને રાજ્યની 37મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર 2400થી વધુ ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ અપાશે.

રાજ્ય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ ઇમરજન્સીના સમયમાં વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR નું પ્રશિક્ષણ અપાશે. પોલીસકર્મીઓ સેવા, સુરક્ષા અને શાંતિની ફરજ સાથે સાથે આકસ્મિક સમયે આવતા હાર્ટએટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડિત વ્યક્તિને CPR આપીને જીવ બચાવી શકશે.

અત્રે ઉલ્લખનીય છે કે તા.6 જૂને અમદાવાદના કાલુપુર સર્કલ પર એક એકટિવા ચાલકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ ગયો હતો. આ સમયે હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરી તે આવે એ દરમિયાન ચાલકની સ્થિતિ નાજુક જણાતા CPR ની પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ 108 મારફત હોસ્પિટલ પહોંચાડયા હતા. આમ, CPR બાબતે ટ્રાફિકકર્મીઓ માહિતગાર હોવાથી આ દર્દીને CPR આપી જીવ બચાવવામાં નિમિત્ત બન્યા હતા. આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારી/કર્મચારી તથા હોમગાર્ડ જવાનની આ ઉમદા માનવીય ફરજને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડાએ ત્રણેય કર્મચારીઓને રૂબરૂમાં પ્રશંસાપત્ર પાઠવી મનાવીય અભિગમને બિરદાવ્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત