સુરત : લિંબાયતના દંપતિના ગૃહકલેશનું સુખદ સમાધાન કરાવતી અભયમ હેલ્પલાઈન

સામાજીક
Spread the love

સુરત, 08 જૂન : 181 અભયમ હેલ્પલાઈને લિંબાયતના દંપતિના ગૃહકલેશનું સુખદ સમાધાન કરાવી ઘર તૂટતા બચાવ્યું હતું. લિંબાયત વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ 181 અભયમમાં કોલ કરી આપવિતી વ્યક્ત કરતા કહ્યું કે, મારા પતિએ ઝઘડો કરી ઘરેથી કાઢી મૂકી છે, મારા એક વર્ષના બાળકને ઝૂંટવી લઈને તેને પોતાની પાસે રાખી ઘરમાંથી ધક્કા મારી કાઢી મૂકી હોવાથી મદદ માટે વિનંતી કરી હતી.
કતારગામની અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી દંપતિનું અસરકારક કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતાં. સમય જતા આપસી ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હતા. દંપતિ વચ્ચે ટકરાવ થતા દાંપત્યજીવન અસ્થિર થઈ ગયું હતું. ગત રોજ આવી જ રીતે બંને વચ્ચે ઝઘડો થતા પત્ની પાસેથી એક વર્ષનું બાળક ઝૂંટવી લઈને ઘરમાંથી કાઢી મૂકી હતી.
અભયમ કાઉન્સેલરે દંપતિને સમજાવ્યા કે, પોતાના અને બાળકના ભવિષ્ય માટે તેમજ બાળકને માતા-પિતા બંનેની હુંફની આવશ્યકતા હોય સાથે રહેવા જણાવ્યુ હતું. ગૃહ સંસારમાં નાની મોટી બાબતોમાં મનદુઃખ સહજ હોય છે. પરંતુ બાળકોના સુખી ભવિષ્ય માટે શાંત મન રાખી સંસાર ચલાવવો જોઈએ. આમ, દંપતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને અગાઉના ઝઘડાઓનો અંત લાવી સાથે સાથે રહેવા સંમત થયાં હતાં. આમ, અભયમના પ્રયાસોથી એક પરિવારનો માળો વીંખાતા બચી ગયો હતો અને ફરી વાર બંને વચ્ચે મનમેળ થતા ઘરેલું મામલાનો સુખદ નિવેડો આવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *