
સુરત,09 જૂન : સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવું જરૂરી છે. આ તકે તેમણે વરાછાના યોગીચોક વિસ્તારમાં ગાર્ડનની સુવિધા ઉભી કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું.

સાંસદએ તાલુકા કક્ષાએ સરકારી શાળાઓમાં બાળકો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી શકે તે માટે વિશાળ હોલના નિર્માણ અને સખીમંડળની બહેનો સ્વનિર્મિત ચીજ-વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બની શકે તે માટે ઈ-રીક્ષા આપવાનું સુચન કર્યું હતું. આશ્રમ શાળાઓમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવે તેમજ બાળકો જન્મ થાય એ જ સમયે તેમનો સિકલસેલ એનિમીયાનો ટેસ્ટ કરવામાં આવે તે માટે આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું.
સાંસદે સૌ અધિકારીઓને ગરીબ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવીને માનવતાના કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.તેમણે નવતર પહેલરૂપે સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત થયેલા થેલા, પાણીની બોટલ જેવી વસ્તુઓથી અધિકારીઓનું સ્વાગત કરવાની પહેલ કરી હતી.

દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, સુરત સ્માર્ટ સિટી, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય અરવિંદ રાણા, સંદિપ દેસાઈ, મનુભાઈ પટેલ, ઈ.જિલ્લા કલેક્ટર બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, જિલ્લા પૂરવઠા અધિકારી સાવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખો , વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત