
સુરત, 09 જૂન : વર્ષ 2014માં સત્તાના સુકાન સંભાળ્યા બાદ પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશની કાયાપલટ થઇ છે.પીએમના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ કર્યા છે. ” 9 સાલ બેમિસાલ ” રહ્યા છે. ભારતે આ 9 વર્ષમાં અનેકવિધ ક્ષેત્રમાં વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે.ત્યારે, પીએમ મોદીના 9 વર્ષના આ શાસનકાળ દરમ્યાન ભારતે મેળવેલી સિધ્ધીઓને દેશની પ્રજા સમક્ષ ઉજાગર કરવા માટે હાલ ભાજપા દ્વારા 30મી મે થી 30 જૂન સુધી વિશેષ જન સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સંપર્કથી સમર્થનના આ અભિયાનના ભાગરૂપે આગામી 11મી જુનના રોજ સુરત શહેરના લીંબાયત ખાતે આવેલા નીલગીરી મેદાન ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે શુક્રવાર 9મી જૂનના રોજ શહેર ભાજપા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદના પ્રારંભમાં સુરત શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના શાસનકાળ દરમિયાન ભારતે આજે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે તેમની ઉત્કૃષ્ઠ કામગીરીને લઈને સમગ્ર વિશ્વમાં તેમનું બહુમાન થઇ રહ્યું છે. તેમના 9 વર્ષના સુશાસનકાળ દરમિયાન ભારતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેને લોકો સમક્ષ ઉજાગર કરવા દેશભરના સંસદીય ક્ષેત્રમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નવસારી સંસદીય ક્ષેત્રમાં આવેલી ચાર વિધાનસભા લીંબાયત, મજુરા, ઉધના અને ચોર્યાસીના સંયુક્ત ઉપક્રમે આગામી 11મી જુનના રોજ લીંબાયત ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્ય સરકારના મંત્રીઓ સંબોધન કરશે. આ જાહેરસભાને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ ઉપક્રમમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદને ધારાસભ્ય સંગીતા પાટીલ , મનુભાઈ પટેલ ,સંદીપ દેસાઈ રહ્યા હતા.આ વિશાળ જાહેરસભાને આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબ સંબોધિત કરશે. ૩૦ મેથી ૩૦ જૂન સુધી જે વિશેષ જન સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું છે તેના વિશે તથા મોદી સરકારના નવ વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયેલી ઉપલબ્ધીઓ , સર્વ સમાજ અને છેવાડાના માનવીઓ માટે બનાવેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ તથા આ નવ વર્ષ દરમ્યાન ભારત દેશને વિશ્વગુરુ બનાવવા જે કદમ લેવામાં આવ્યા છે તેના વિશે વિસ્તૃત માહિતી આપશે .
ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ઉપરોક્ત વિશાળ જાહેરસભા વિશે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે વિધાનસભામા મળેલી ઐતિહાસિક જીતના પ્રતિક રૂપે 156 ઢોલ નગારા મંડળીને આમંત્રણ આપવામાં આવ્યું છે , સાથે લેઝીમ મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ નવ્વારી સાડી પરિધાન કરેલી મહિલાઓ હાજર રહેશે .આ વિશાળ જાહેરસભામાં ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ગુજરાત રાજ્યના મંત્રી હર્ષસંઘવી , મુકેશ પટેલ , રાઘવજી પટેલ ,વિવિધ ધારાસભ્યો , સુરત મહાનગરના મેયર , સુરત શહેરના પ્રમુખ , મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ નગરસેવકો , શિક્ષણ સમિતિના સદસ્યો , સુરત મહાનગર સંગઠનના અગ્રણી કાર્યકર્તાઓ સહીત શુભેચ્છકો અને નગરજનો ઉપસ્થિત રહેશે .

આજની પત્રકાર પરિષદમાં સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા , સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલા ,ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સુરત શહેર સંગઠનના મહામંત્રી કાળુભાઇ ભીમનાથ, કિશોરભાઈ બિંદલ ,સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત