સુરત : ગ્રીન કોન્સેપ્ટ આધારિત રાંદેર સિંચાઈ પેટા વિભાગ કચેરીનું લોકાર્પણ કરતા પાણીપૂરવઠા રાજ્યમંત્રી

સ્થાનિક
Spread the love

સુરત, 09 જૂન : સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત કાકરાપાર જમણાકાંઠા નહેર વિભાગ હેઠળ રાંદેર, રામનગર ચાર રસ્તા પાસે રૂ.1.60 કરોડના ખર્ચે નવનિર્મિત ગ્રીન કોન્સેપ્ટ આધારિત ‘રાંદેર સિંચાઈ પેટા વિભાગ કચેરી’ને વન, પર્યાવરણ, જળસંપત્તિ અને પાણીપૂરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખૂલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓને કોર્પોરેટ સ્તરની બનાવવા સરકારે કમર કસી છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, અને પ્રજાકીય કામો અસરકારક રીતે થાય છે. આ કચેરીમાં કામ અર્થે આવનાર અરજદારોને યોગ્ય માર્ગદર્શન મળે અને તેમની જરૂરિયાત મુજબની સેવાઓ ત્વરિત અને સંતોષકારક રીતે મળે તે માટે અધિકારી/કર્મીઓએ કર્મયોગીની ભાવનાથી કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લાની ખેતી ઉકાઈ ડેમ આધારિત છે. જેથી એક જનપ્રતિનિધિ તરીકે કેનાલોનું નેટવર્ક વધારી, કેનાલોમાં પાણીની કેપેસિટી વધારવા સતત પ્રયાસો કર્યા છે. તેમણે ખેડૂતોને ક્રોપ પેટર્ન બદલવાનો મત વ્યક્ત કરતા પાણીની બચત સાથે નવા જમાનાના નવા પાકો વાવવા અને વધુ ઉત્પાદન મેળવવું.ગામડાઓને સમૃદ્ધ કરવા માટે રાજ્ય સરકારે જળ સંચયનો વ્યાપક કાર્યક્રમ હાથ ધર્યો છે. વહી જતાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા અને ભૂગર્ભ જળસ્તરો ઊંચા આવે તેવા ઉમદા હેતુથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ દર વર્ષે લોકભાગીદારીથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે.

આ પ્રસંગે મંત્રી અને મહેમાનોને આવકારતા કાર્યપાલક ઈજનેર (સુરત સિંચાઈ વર્તુળ) સતિષ પટેલે જણાવ્યું કે, વર્ષ 1977માં બનેલી રાંદેર સિંચાઈ પેટા વિભાગ કચેરીના સ્થાને કચેરીની જરૂરિયાત જણાતા અત્યાધુનિક ગ્રીન બિલ્ડીંગ આધારિત નવી સિંચાઈ કચેરી નિર્માણ પામી છે. રેઈન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા ઉભી કરાઈ છે, જેનાથી વરસાદી પાણીને વહી જતું અટકાવી તેના સંગ્રહથી સાર્થક ઉપયોગ કરી શકાશે.તેમણે આ કચેરી સાકાર કરવામાં મંત્રી મુકેશ પટેલનો ઉમદા સહકાર અને સિંહફાળો રહ્યો છે એમ જણાવી રાંદેર સિંચાઈ પેટા કચેરી હજીરા શાખાના છેવાડે આવેલી હોય અને વધુ પ્રમાણમાં ડાંગરનું વાવેતર થતું હોવાથી વધુ માત્રામાં સિંચાઈના પાણીની જરૂરિયાત હોઈ સિંચાઈ સુવિધા વધારવામાં મંત્રીનું અનન્ય યોગદાન રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ વેળાએ મંત્રીકચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનીયર અલકા અશોક સિંઘ, અગ્રણી બ્રિજેશ પટેલ સહિત મદદનીશ ઈજનેરો, સિંચાઈ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.રૂ.1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ કચેરી સંપૂર્ણ ફર્નિશ્ડ છે. અગાસી ઉપર સોલાર પ્લાન્ટ ફીટ કરાશે, જેનાથી આગામી એક વર્ષમાં ઓફિસની તમામ વિજળી સૌર ઉર્જામાંથી મેળવી શકાશે. ઓફિસ બાંધકામના કુલ ખર્ચમાં સિવિલ વર્ક સાથે ઈલેક્ટ્રિક સંસાધનો પણ પૂરા પાડવામાં આવ્યા છે, જેમાં તદ્દન નવા કોમ્પ્યુટર સેટ, પ્રિન્ટર પણ આ કચેરીમાં આપવામાં આવ્યા છે. ગાર્ડન, કોન્ફરન્સ હોલ, સ્ટોર રૂમ, અધિકારીઓની સેપરેટ ઓફિસ, ઈન્વર્ડ-આઉટવર્ડ કેબિન જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *