
સુરત,09 જૂન : નવી શિક્ષણનીતિ 2020અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણવામાં આવ્યો છે. આંગણવાડીમાં આવતા 3-5 વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવતાપૂર્ણ જીવન માટેનો મજબુત પાયો બંધાય તેમજ બાળકોનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટીકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તે હેતુથી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત સુરત ગ્રામ્યમાં 12 અને 13 જૂનના રોજ ધો.1માં પ્રવેશ મેળવનારા બાળકો તથા 14ના રોજ જિલ્લા હસ્તકની તમામ આંગણવાડીઓમાં 3 વર્ષ પુર્ણ કરેલા હોય તેવા બાળકોના પ્રવેશોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં મંત્રીઓ, સચિવો, સુરત જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, ગ્રામજનોને આમંત્રણ આપવા માટે સુરત જિલ્લાની આંગણવાડીઓના બાળકો દ્વારા સ્વહસ્તે આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરવામાં આવી છે. બાળકોએ જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને ઈ. જિલ્લા કલેકટર બી.કે.વસાવાને આ પત્રિકા આપી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમજ આંગણવાડીઓના બાળકોનુ વધુમાં વધુ નામાંકન થાય અને વાલીઓની પ્રબળ સહભાગીતા બાબતે સુત્રોચ્ચાર કરી વાલીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે માંગરોળ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે નિરાલા(IAS) ઉપસ્થિત રહેશે. જેનું સમગ્ર આયોજન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (ICDS) કોમલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત