
સુરત, 11 જૂન : દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારના શુસાશનના નવ વર્ષ પૂર્ણ થતાં તેની ઉપલબ્ધીઓ જન જન સુધી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા 11 જૂનના રોજ રવિવારના રોજ લીંબાયત , નીલગીરી મેદાન પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ , ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી , નાણાં મંત્રી કનુ દેસાઈ,કૃષિ મંત્રી રાઘવજી પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ , ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સુરત શહેરના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ મંત્રી તથા સુરત મહાનગર પ્રભારી શિતલ સોની,સુરત શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો , સુરત શહેરના મેયર હેમાલી બોધાવાલા, સુરત શહેર સંગઠન મહામંત્રીઓ તથા પદાધિકારીઓ , નગરસેવકો , અગ્રણી કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં શુભેચ્છકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સભા સ્થળ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓઅને નગરજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમટેલા માનવમહેરામણ વચ્ચે ” ભારત માતા કી જય ” અને ” વંદે માતરમ ” ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સ્ટેજ પર બિરાજમાન દરેક મહાનુભાવોનું ખેસથી સ્વાગત કરીને કરવામાં આવી હતી . ત્યારબાદ મંત્રી મુકેશ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું .કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ પીએમ મોદીની સિદ્ધિ અંગે વિસ્તૃત સંબોધન કર્યું હતું.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ખુલ્લી જીપમાં સવાર થઈ સભા સ્થળે આવ્યા હતા. તેમની સાથે મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી , નાણાં મંત્રી કનુ પટેલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સુરત શહેરના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ , ચોર્યાશી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ , ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલજોડાયા હતા.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે સભાને સંબોધન દરમિયાન મોદી સરકારના નવ વર્ષ દરમ્યાન પ્રાપ્ત કરેલી ઉપલબ્ધીઓ , સર્વ સમાજ અને છેવાડાના માનવીઓ માટે બનાવેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ તથા આ નવ વર્ષ દરમ્યાન ભારત દેશને વિશ્વગુરુ બનાવવા જે કદમ લેવામાં આવ્યા છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી .સાથે સાથે તેમણે પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવી રીતે આતંકવાદનો ખાત્મો કરવામાં આવ્યો છે અને પાડોશી દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કર્યો હતો . સર્જીકલ સ્ટ્રાઈક , એર સ્ટ્રાઈક અને કેપ્ટન અભિમન્યુનો પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કરી પીએમ મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી. વંદે ભારત ટ્રેન , બુલેટ ટ્રેન , દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે , યાત્રાધામનો વિકાસ , એરપોર્ટના નિર્માણ જેવા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો .

પ્રદેશ અધ્યક્ષ પાટીલે વધુમાં જણાવ્યું કે હતું કે જયારે 370ની કલમ દુર કરવામાં આવી અને અમુક લોકો આ દેશમાં એવું કહેતા હતા કે આ કલમને હાથ લગાડશો તો લોહીની નદીઓ વહેશે ત્યાં એક પણ ટીપું લોહી ના વહયું. પીએમ મોદીએ ટ્રિપલ તલાકનો કાયદો રદ કરી મુસ્લિમ માતા અને બહેનોને રાહત આપવાનું કામ થયું .

ભવ્ય રામમંદિરના નિર્માણનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે હતું કે જે લોકો કહેતા હતા કે ભાજપ હંમેશા કહે છે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે , તેમને કહેજો કે 2024માં ભવ્ય રામમંદિરના દર્શન કરવા તેમની ટીકીટ આજે જ બુક કરાવી લે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જનતાને સૂત્ર આપ્યું હતું કે,’મોદીજી કો જીતાયેંગે 400 સીટે લાયેંગે’અને કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવાની જવાબદારી હવે તમારા ખભે છે.

આજની આ વિશાળ જાહેરસભાને સફળ બનાવવા પ્રદેશ પ્રમુખએ સુરતના નગરજનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો તેમજ આગામી વર્ષ 2024ની લોકસભાના ઈલેક્શનમાં 400 સીટોનો લક્ષ્યને પાર પાડવાની જવાબદારી આપ સૌ જનતાની હોવાનું જણાવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત