
સુરત, 08 જુલાઈ : કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાજરદોશના હસ્તે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ધ ટેક્ષ્ટાઈલ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.8 થી 10 જુલાઈ સુધી આયોજિત ત્રિ-દિવસીય ‘સી-ટેક્ષ’ એક્ઝિબિશને ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.‘સી-ટેક્ષ’ શ્રેણીના આ આઠમા પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના કાપડ ઉદ્યોગને નવી દિશા અને ગતિ આપવાનો છે.

ટેકસટાઇલ ક્ષેત્રમાં વપરાતી અદ્યતન ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્સ્ઝિબિશનનો સીધો લાભ સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગને મળશે. નવા અને આધુનિક મશીનોની મદદથી કાપડની ગુણવત્તા સુધારી વિશ્વભરમાં સ્વદેશી કાપડની નિકાસ વધારી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકાશે. જેના થકી ઉત્પાદન વૃદ્ધિની સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવું પણ શક્ય બનશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેને સુરતના મુખ્ય ઉદ્યોગોને વેગ આપવા હંમેશા કાર્યરત રહેતી SGCCI ની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત સીટેક્ષ એક્ઝિબિશન કાપડ ઉદ્યોગને નવી દિશા સૂચવવામાં ચોકકસપણે ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતુ કે, ટેકસટાઇલ ઉદ્યોગમાં આવતી આધુનિકતાને કારણે આપણે વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના ધ્યેયને ઝડપથી પૂર્ણ કરવા તરફ સફળ રીતે આગળ વધી રહ્યા છીએ.

વધુમાં તેમણે દેશનું ભાવિ ગણાતા યુવાઓને ઉદ્યોગોની બાગડોર સંભાળવા અને યુવા નેતૃત્વ હેઠળ દેશના વિકાસમાં પોતાનો મહત્તમ ફાળો આપવા સૂચન કર્યું હતું. તેમજ કાપડ ઉદ્યોગના વ્યાપારી અને ઉત્પાદનકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી તેઓને સ્વદેશી મશીનરીનો ઉપયોગ કરવા અને સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ આગળ વધવા જરૂરી તમામ પ્રયત્નો કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે SGCCIના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યુ હતું કે, આ પ્રદર્શનની મુલાકાત માટે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમાં સુરત અને ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોના વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે.

સીટેક્ષ એક્સપોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ટેકસટાઇલ મશીનરી અને એન્સીલરી, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જનિયરીંગ, ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન ક૨વામાં આવશે. જેમાં મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા 1000 આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત 9.5 ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન, શટલ લુમ્સ, એરજેટ ડોબી વીથ ડબલ બીમ રનીંગ 750 આરપીએમ, સુપર હાઇસ્પીડ ટીએફઓ, એરજેટ JDF9100 પ્લસ હાઇ સ્પીડ મશીન, વોટ૨જેટ JDF408 પ્લસ સ્પીડ જેવા મશીનો જોવા મળશે.આ એક્સપો થકી ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઈંગ ઇન્ડસ્ટ્રી માટે ઇ.ડી.આર. સિસ્ટમ લોન્ચ ક૨વામાં આવશે. એફલુએન્ટ વોટર રિસાયકલિંગ ઝેડએલડી પ્લાન્ટનું પણ પ્રથમ વખત સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ ક૨વામાં આવશે.

આ કાર્યક્રમમાં SGCCIના વાઇસ પ્રેસિડન્ટ વિજય મેવાવાલા, ભૂ.પ્રેસિડન્ટહિમાંશુ બોડાવાલા, એક્ઝિબિશન ચેરમેન બિજલ જરીવાલા, સેક્રેટરી નિખિલ મદ્રાસી, સુરત ટેક્સમેક ફેડરેશન(STMF)ના પ્રેસિડન્ટ મુકેશભાઇ પટેલ,STMFના વાઇસ પ્રેસિડન્ટ પ્રણવ મહેતા, STMF સેક્રેટરી જીતેન્દ્ર મિસ્ત્રી સહિત SGCC અને STMFના અન્ય સભ્યો તેમજ કાપડ ઉદ્યોગના વ્યાપારી અને ઉત્પાદનકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત