સુરત શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ આવી મદદે

કાયદા-કાનૂન
Spread the love

સુરત,20 જુલાઈ : શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ પીડિત મહિલાની મદદે પહોંચી હતી. વાત જાણે એમ છે કે, કતારગામ વિસ્તારની એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી તેમના શેઠે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હોવાનું જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોચી કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કરતા શેઠની સાન ઠેકાણે આવી હતી અને ભુલ કબૂલી માફી માંગી હતી.

શ્રમજીવી મહિલા મધ્યપ્રદેશના વતની છે. તેમના પતિનું પાંચ વર્ષ પહેલા નિધન થયું હતું. જેથી તેમના દિયર સાથે સમાજના રીતરિવાજ અને પ્રણાલી મુજબ દોઢ વર્ષ પહેલા પુન:લગ્ન થયા હતા અને પતિ સાથે રોજગારી માટે સુરત આવ્યા હતા. આ દંપતિ બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિ અન્ય સાઈટ પર કામ માટે ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી બિલ્ડરે અજૂગતો સ્પર્શ કર્યો હતો. શેઠે છેડતી કરી અઘટિત માંગણી કરી હતી. જેથી ગભરાયેલી શ્રમજીવી મહિલા સ્થળ પરથી નીકળી ગયા અને પતિને જાણ કરી હતી, તેઓએ 181 હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગી હતી.
અભયમ રેસ્ક્યુ ટીમે બિલ્ડરને મહિલા સાથે અણછાજતી હરકત કરવી એ જાતિય હેરાનગતિ અંતર્ગત સજાપાત્ર ગુનો છે એમ જણાવી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરતા તેમણે ભૂલ કબૂલી હતી, અને હવે કોઈપણ મહિલાને હેરાન નહી કરવા ખાતરી આપી હતી. મહિલાએ જણાવ્યુ કે, અમે રોજગારી માટે સુરત આવ્યા છીએ, જેથી ભવિષ્યમાં આવી હેરાનગતિ ન કરવાની બાહેંધરી આપતા કાયદાકીય કાર્યવાહી ન કરી શેઠને સુધરવાની એક તક આપી હતી. અભયમ દ્વારા કડક સૂચના આપી લેખિત કબૂલાત અને માફીપત્ર લેવામાં આવ્યું હતું. આમ, અભયમની મધ્યસ્થીના કારણે શ્રમિક મહિલાને ત્વરિત મદદ મળી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *