
સુરત,20 જુલાઈ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબિશન્સ ચેરમેન બિજલ જરીવાલા અને સભ્ય નવિન પટેલ સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનની મુલાકાત લઇ યાર્ન એક્ષ્પો વિષે રોડ શો/મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તા.4, 5 અને 6 ઓગષ્ટ,2023 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘યાર્ન એક્ષ્પો– 2023’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાર્ન એકઝીબીશનમાં કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ ઉપરાંત વિશિષ્ટ યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમિટેટ સિલ્ક યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન પ્રદર્શન માટે મુકવામાં આવશે. આથી તેમણે ઉદ્યોગકારોને યાર્ન એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ વધુમાં વધુ ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકો કે જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા હોય તેઓને આ પ્રદર્શનને નિહાળવા માટે અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત તેમણે એસોસીએશન તથા સ્થાનિક ઉદ્યોગકારોને નડતા વિવિધ પ્રશ્નો લેખિતમાં ચેમ્બર ઓફ કોમર્સને મોકલવા માટે અનુરોધ કર્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ, સ્થાનિક ઉદ્યોગકારોના ઉદ્યોગ સંબંધિત વિવિધ પ્રશ્નોની રજૂઆત રાજ્ય તથા કેન્દ્ર સરકારને કરશે તેવી બાંયધરી તેમણે આપી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, વ્યાપાર – ધંધાના એસ્ટાબ્લીશમેન્ટ માટે એકઝીબીશન ખૂબ જ જરૂરી હોય છે. યાર્ન એકઝીબીશનમાં પ્રદર્શિત થનારા જુદી – જુદી વેરાયટીના યાર્નની માહિતી તથા અદ્યતન ટેકનોલોજી વિષેની જાણકારી મેળવી ઉદ્યોગ સાહસિકો ધંધાનો વિકાસ કરી શકે છે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકોને યાર્ન એક્ષ્પોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળની શુભેચ્છા મુલાકાત દરમ્યાન માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના સેક્રેટરી પ્રવિણ દોન્ગાએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર્યું હતું. તેમણે એસોસીએશનના હોદ્દેદારોની સાથે વધુમાં વધુ ઉદ્યોગકારો યાર્ન એકઝીબીશનની મુલાકાતાર્થે આવશે તેવી ખાતરી ચેમ્બર ઓફ કોમર્સને આપી હતી. મિટીંગ દરમ્યાન માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન તથા અન્ય જુદા–જુદા એસોસીએશનોએ સાથે મળીને ચેમ્બરના ઓફિસ બેરર્સનું સન્માન કર્યું હતું. ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મીશન 84ની વિગત આપી ઉદ્યોગકારોને તૈયાર થવા તેમજ તેમાં ભાગ લઇ એક્ષ્પોર્ટ વધારવા માટે અનુરોધ કર્યો હતો. ચેમ્બરના સભ્ય નવિન પટેલે સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત