
સુરત,21 જુલાઈ :રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે બારડોલી ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા વેપારીઓ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ. 16,700નો દંડ વસુલ કર્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઅને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફીસર ડો. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ ઝુંબેશ હાથ ધરી COTPA -2003 એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્ક્વૉડટીમના એપીડેમિક મેડીકલ ઓફીસર ડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સીલર કીર્તીરાજ સોલંકી, ડી. એસ. આઇ. હસમુખ રાણા, તાલુકા આરોગ્ય કચેરી-બારડોલીની આરોગ્ય ટીમ અને બારડોલી પોલીસના પી.આઈ. વી.એન.ગાગીયા, પો.કો. યતીન ચૌધરી પો.કો. કાનકસિંહ સરવૈયા સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડટીમ દ્વારા દંડ તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાન પર લગાવવાના નિયત માપ પ્રમાણે સુચના-બોર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત