
સુરત, 23 જુલાઈ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સુરતના જિલાની બ્રિજ પર સર્પાકાર મોપેડ ચલાવીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર રાંદેરના ત્રણ સગીરો અને તેના પિતા સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે, રાંદેર પોલીસની આ કામગીરી સરાહનીય છે. કારણ કે જોખમી સ્ટંટથી અન્ય નિર્દોષ પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવ્યા છે અને આજીવન પીડા અને દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. જેથી રાજ્યમાં આ પ્રકારની કડક કાર્યવાહી શરૂ રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત