
સુરત, 23 જુલાઈ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને રાંદેર અડાજણ પાલ પોલીસ સ્ટેશન અને રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જહાંગીરા બાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લેવામાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ચોથો રક્તદાન કેમ્પ યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન 2011થી વધુ યુનિટ રકત એકત્ર કરાયું હતું. જેમાં જાગૃત્ત નાગરિકો સાથે પોલીસ વિભાગના 200 જવાનોએ પણ રક્તદાન કર્યું હતું.સુરત શહેર વિસ્તારમાં રહેતા થેલેસેમિયા પીડિત બાળકોને વર્ષ દરમિયાન રક્ત પૂરૂં પાડવાની વ્યવસ્થા કરવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મંત્રીઓએ રક્તદાતાઓને મળીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, થેલેસેમિયા એક એવો રોગ છે, જેમાં દર મહિને વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે લોહી બદલવાની જરૂર પડે છે, ત્યારે સુરત શહેરમાં વસતા 1400થી 1500 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવી સુરત શહેર પોલીસે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક અનોખી પહેલ શરૂ કરી છે એમ જણાવી ગુજરાત પોલીસ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની પોતાની ફરજ અને સેવાની સાથે માનવસેવાને પણ પ્રાધાન્ય આપી રહી હોવાનું ગર્વથી જણાવ્યું હતું.

સુરત શહેર પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ લોકોને સુરક્ષાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણની ઉત્તમ વિચારધારા સાથે કાર્ય કરી રહી છે. દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રક્તદાન કેમ્પો દ્વારા નાત જાત, ધર્મના ભેદ વિના માનવધર્મને અનુસરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે એમ જણાવી લોકોને પણ સમાજના જરૂરીયાતમંદોને મદદ કરવા તેમજ પોલીસ પરિવાર દ્વારા થતી કામગીરીને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.

મંત્રીએ કહ્યું કે, લોહીનો રંગ લાલ હોય છે, તેને ક્યારેય કોમી રંગ આપી શકાય નહીં. હિન્દુ હોય કે મુસ્લિમ સૌને લોહીની જરૂર પડતી હોય છે. સુરતમાં દર મહિને 700થી વધુ યુનિટ બ્લડની જરૂર પડે છે, જેની સામે પોલીસ દ્વારા દર મહિને કેમ્પો યોજી બેગણું રક્ત એકત્ર કરવામાં આવે છે, જે સ્થાનિક ઉપરાંત બહારગામથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે, ત્યારે સૌએ સાથે મળીને માનવતાનો ધર્મ નિભાવવા આહ્વાન કર્યું હતું. રાંદેરમાં સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે રાંદેરમાં સામાજિક સૌહાર્દ અને એકતાનો પ્રેરણાદાયી માહોલ સર્જાયો છે એમ જણાવતા તેમણે આ વિસ્તારની જનતાને કોઈ પણ સ્થળે અસામાજિક પ્રવૃત્તિઓ, ડ્રગ્સ, ચરસ, ગાંજાનું વેચાણ કે સેવન થતું હોવાનું જણાય તો તુરંત પોલીસને જાણ કરવા ભારપૂર્વક અપીલ કરી હતી.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે સુરતની પ્રજાના હકારાત્મક અભિગમ અને તેમના સહયોગની પ્રશંસા કરી દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજવાનો સુરત પોલીસનો સહિયારો ઉપક્રમ હોવાનું જણાવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા કરાયેલા રક્તદાનના નવતર પ્રયોગને લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા પ્રારંભ કરાયેલા થેલેસેમિયા પીડિત બાળકો માટેના આ રક્તદાન સેવા યજ્ઞમાં પ્રથમ કેમ્પમાં 1051, બીજા કેમ્પમાં 1100 અને ત્રીજા રક્તદાન કેમ્પમાં 1850થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડી. એચ.પરમાર, એડિશનલ પોલીસ કમિશનર કે.એન.ડામોર, નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા, પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, રેડિયન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ, શાળાના શિક્ષકો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત