
સુરત, 23 જુલાઈ : આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આયોજિત ‘ઈટ રાઈટ મિલેટ્સ મેળા’ અંતર્ગત પીપલોદ સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના એમ્ફિ થિયેટર ખાતેથી યોજાયેલી વોકેથોનને જિલ્લા કલેકટર આયુષ ઓકે ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવી હતી. ભારે વરસાદ વચ્ચે હર્બલલાઈફના સ્વયંસેવકોએ સુરતીઓને સંગીતના તાલે ઝૂમ્બા કસરત કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. એમ્ફી થિયેટરથી શરૂ થયેલી આ વોકેથોન સોમેશ્વર સર્કલથી યુનિવર્સિટીના ગેટ-૨માં પ્રવેશી કન્વેન્શન સેન્ટર ખાતે પૂર્ણ થઈ હતી.

આ સાથે યુનિવર્સિટી ખાતે ‘ઈટ રાઈટ મિલેટ્સ મેળો પણ યોજાયો હતો. વિવિધ સ્ટોલમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પરંપરાગત ખેત પેદાશો જુવાર, બાજરી, રાગી, રાજગરો, કાગ, સાંવા જેવા જાડા ધાન્ય-અનાજની પણ શહેરીજનોએ ખરીદી કરી હતી. મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનો સ્વાદ પણ સુરતીઓએ માણ્યો હતો. સ્વસ્થ સમાજના નિર્માણ માટે ખાસ કરીને બાળકોને કુપોષણથી ઉગારી એનિમિયાની સમસ્યાનું સમાધાન મેળવવા તેમજ યુવાઓને જંકફૂડ છોડી પોષણયુક્ત આહાર તરફ વાળવા દેશભરમાં મિલે્ટસ(શ્રી અન્ન)ની જાગૃતિ માટે વિદ્યાર્થીઓએ મિલેટ્સમાંથી રંગોળી બનાવી હતી.

આ કાર્યક્રમમાં FSSAIના પશ્વિમ વિભાગના પ્રાદેશિક નિયામક પ્રિતી ચૌધરી, નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, હર્બલલાઈફના સિનિયર ડાયરેક્ટર હરિશ પંત, મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત યુનિ. છાત્રોએ ભાગ લીધો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત