
સુરત, 28 જુલાઈ : સુરત : ડોનેટ લાઈફ સ્વૈચ્છિક સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની જન-જાગૃતિ ફેલાવવાનો અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન અંગે સમજાવી તેઓના અંગોનું દાન કરાવી જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવા માટેનુ છે.ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા 18વર્ષથી સમાજમાં 24*7=365 દિવસ સ્કૂલો, કોલેજો, વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટી, સ્મશાનભૂમિ જેવા સ્થળોએ અંગદાનની જનજાગૃતિ માટેના સેમિનાર, ટ્રાફિક સિગ્નલ્સ, સ્ટ્રીટ પ્લે, વોકાથોન, ગણેશ ઉત્સવ, પતંગોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં અંગદાન-જીવનદાનનો સંદેશો લગાતાર ફેલાવીને લોકોને અંગદાનનું મહત્વ સમજાવી રહ્યા છે.

ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાએ આવકાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, 1994માં દેશમાં હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ (HOTA) બન્યો. ગુજરાતનું સૌ પ્રથમ કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 1997માં અમદાવાદમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટર (IKDRC)માં થયું હતું. ત્યાર પછીના 10 વર્ષમાં ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ ન હતી.12 જાન્યુઆરી 2006માં સુરતથી બ્રેઈન ડેડ જગદીશ શાહ નામના 57 વર્ષિય વ્યક્તિની કિડનીનું દાન કરાવવામાં આવ્યું હતું. તેનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટર (IKDRC)માં કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઈન્ટરસિટી કેડેવર કિડની ડોનેશનની આ સૌપ્રથમ ઘટના હતી.ફેબ્રુઆરી 2006માં સુરતની સ્મિમેર હોસ્પિટલથી બ્રેઈન ડેડ રાજૂ ગોહિલ નામના 24વર્ષના યુવાનની કિડની સાથે લિવરનું પણ દાન કરાવવામાં આવ્યું હતું, જે ગુજરાતનું સૌપ્રથમ લિવરનું દાન હતું. તે સમયે ગુજરાતમાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થતું ન હોવાને કારણે આ લિવરને હૈદરાબાદ મોકલવામાં આવ્યું હતું. ગુજરાતમાં આંતરરાજ્ય લિવરના ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના હતી.ડિસેમ્બર 2015માં સુરતની મહાવીર હોસ્પિટલથી બ્રેઈન ડેડ જગદીશ પટેલ ( ઉ.વ 55 )ના વ્યક્તિની કિડની સાથે હ્રદયનું દાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાતનું આ સૌપ્રથમ હ્રદયનું દાન હતું. ગુજરાતમાં તે સમયે હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું ન હોવાને કારણે આ હ્રદયને મુંબઈ મોકલવામાં આવ્યું હતું, પશ્ચિમ ભારતમાં હ્રદય દાન અને ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી. હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ રેસ અગેઈન્સ્ટ ટાઈમ કહેવાય છે. હ્રદયને સમયસર એક શહેરમાંથી બીજા શહેરમાં વિમાન મારફતે પહોંચાડવા માટે જે તે હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 18 ડિસેમ્બર 2015ના દિવસે હ્રદયને સમયસર મુંબઈ પહોંચાડવા માટેસુરત શહેર પોલીસ દ્વારા સુરતની મહાવીર હોસ્પિટલથી એરપોર્ટ સુધીના માર્ગનો ગુજરાતનો સૌપ્રથમ ગ્રીન કોરિડોર બનાવીને, ચાર્ટડ વિમાન મારફત હ્રદય મુંબઈ મોકલવામાં આવ્યું હતું.

11 માર્ચ 2020ના દિવસે લિવર અને કિડની સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટર (IKDRC) સુધીનો ગુજરાતમાં સૌપ્રથમ વખત 260કિમીનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ અને રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો.સુરતથી અગત્યના અંગો વિવિધ રાજ્યોમાં સમયસર પહોચાડવા માટે ડોનેટ લાઈફ સંસ્થાના પત્રના સંદર્ભે દેશમાં પહેલી વખત સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર સ્કિમ અંગેનું નોટિફિકેશન તા.03-02-2016ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.હ્રદય, ફેફસાં, હાથને વિમાન મારફતે દેશના જુદા–જુદા શહેરોમાં મોકલવા તેમજ લિવર અને કિડની સમયસર રોડ માર્ગે અમદાવાદ મોકલવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 101 ગ્રીન કોરિડોર બનાવાયા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અંગોને જુદા-જુદા રાજ્યો અને શહેરમાં સમયસર પહોચાડવા માટે 100થી વધુ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હોય તેવી ગુજરાતની આ સૌપ્રથમ ઘટના છે. જેનો શ્રેય સુરત શહેર પોલીસના ફાળે જાય છે.

માંડલેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ વખત 101 ગ્રીન કોરિડોર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવ્યા છે તે માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરનું શાલ, 101ગુલાબનો બુકે અને પ્રશસ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક ડી.એચ.પરમાર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક અમિતા વાનાણી, આસિસ્ટન્ટ પોલીસ કમિશનરો ટ્રાફિક, ટ્રાફિક વિભાગના પોલીસ ઈન્સપેક્ટરો , સબ ઈન્સપેક્ટરો, આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરો તેમજ ગ્રીન કોરિડોર વખતે સેવા પૂરી પાડનાર ડોનેટ લાઈફના સ્વયંસેવકોનું સ્ટેન્ડીગ ઓવેશન અને પ્રશસ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈને જીવનદાન આપવાની વાત આવે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ, ડોનેટ લાઈફના સ્વયંસેવકો તથા અમારા સ્ટાફ સહિતની અમારી ટીમ સેવા ભાવને સાર્થક કરવા હંમેશા આગળ હોય છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ, ડોનેટ લાઈફના અમારા સ્વયંસેવકો અને સમર્પિત સ્ટાફને અંગદાનની સંપૂર્ણ પ્રક્રિયામાં ગ્રીન કોરિડોરના નિર્માણ અને અંગદાન દરમિયાન 101 ગ્રીન કોરિડોરના લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમના અથાગ પ્રયાસો માટે તેમનો આભાર વ્યક્ત કરતા, તેઓની સેવાનિષ્ઠાને નમન કરીએ છીએ. ડોનેટ લાઈફ માનવતાની સેવામાં રત સૈનિકોને સલામ કરે છે.

મુખ્ય મહેમાન ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે સુરત શહેર માટે ગૌરવરૂપ વાત છે કે, સુરત શહેર પોલીસે 101 ગ્રીન કોરીડોર બનાવ્યા છે, મારા લિવરના ટ્રાન્સપ્લાન્ટ પછી મેં જયારે ડોનેટ લાઈફ દ્વારા થયેલી અંગદાનની પ્રક્રિયાનો વિડીઓ જોયો ત્યારે મારા રૂવાડા ઉભા થઇ ગયા હતા અને આનંદના આંસુ પણ આવી ગયા હતા, ત્યારે મને પોલીસની મહાનતા શુ છે, ગ્રીન કોરીડોર નું મહત્વ અને ડોનેટ લાઈફ અંગદાનના ક્ષેત્રમાં કઈ રીતે કાર્ય કરી રહી છે તેની જાણકારી થઇ.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું જયારે મારા લિવરના ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદ અને મુંબઈની હોસ્પિટલમાં ગયો ત્યારે ત્યાંના ડોકટરોએ મને જણાવ્યું કે આખા દેશમાં સૌથી વધુ અંગદાન સુરતથી થાય છે અને તેનો શ્રેય જો કોઈ એક વ્યક્તિને આપવાનો હોઈ તો એ નિલેશ માંડલેવાલાને આપી શકાય. મારા લિવર ટ્રાન્સપ્લાન્ટના ઓક્ટોમ્બર મહિનામાં બે વર્ષ પૂર્ણ થશે. ડોનેટ લાઈફના કારણે મને નવું જીવન મળ્યું છે. ડોનેટ લાઈફ નિશ્વાર્થ ભાવથી કોઈપણ પ્રકારની અપેક્ષા વગર અંગદાનના ક્ષેત્રમાં જે રીતે કાર્ય કરી રહી છે, આવનારા વર્ષોમાં વધુ સારું કાર્ય કરીને મારા જેવા અનેક ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ કે જેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોઈ તેવા દર્દીઓને અંગદાન થકી નવું જીવન આપવામા મદદરૂપ થાય એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે તેમના પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે વિવિધ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ એની સમય મર્યાદામાં કરવાનું હોય છે, હ્રદયને બ્રેઈન ડેડ વ્યક્તિમાંથી કાઢીને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને તેનામાં લોહીનું ભ્રમણ 4 કલાકમાં શરૂ કરવાનું હોય છે. 82 લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં 38 લાખ વાહનો છે. જે રીતે લોકો રસ્તા પર વાહનો ચલાવતા હોય છે ત્યારે સુરતમાં જે તે હોસ્પિટલથી હ્રદય લઈને સુરત એરપોર્ટ જવા ટીમ નીકળે અને જો તેઓ ટ્રાફિકમાં ફસાઈ જાય તો સમયસર અંગોને જે તે શહેરોમાં પહોંચાડી શકાય નહિં, અંગો સમયસર પહોંચાડવા એક એક મિનીટ કિંમતી હોય છે. એટલા માટે ગ્રીન કોરિડોર મહત્વપૂર્ણ હોય છે. અમારા કર્મચારીઓની તપસ્યા, સેવાને કારણે ગ્રીન કોરીડોર મારફત અંગો સમયસર સુરત એરપોર્ટ પહોચી દેશના જુદા- જુદા શહેરોમાં જરૂરિયાત મંદ દર્દિઓમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આ માટે સેવા પૂરી પાડનાર અમારા બધા કર્મચારીઓને સલામ છે.દેશમાં દર વર્ષે પાંચ લાખ વ્યક્તિઓ અંગો ન મળવાને કારણે મૃત્યું પામે છે. અંગો કોઈ ફેકટરીમાં બનાવી શકાતા નથી દુનિયામાં સૌથી વધારે અંગદાન સ્પેનમાં થાય છે. દુનિયામાં સૌથી મોટી વસ્તી ધરાવતો આપણો દેશ અંગદાનમાં ખુબ પાછળ છે. આપણા દેશમાં અંગદાનનો દર 0.86% છે. આ પરિસ્થિતિમાં આપણે સુધારો કરીએ તો જે લોકોને અંગોની જરૂરિયાત છે તેઓને નવું જીવન મળશે. આ અંગે જનજાગૃતિ લાવવાની જરૂર છે. નિલેશભાઈ અને તેમની ટીમે અંગદાન જનજાગૃતિનું જે કાર્ય શરૂ કર્યું છે તે સમાજમાં જરૂર બદલાવ લાવશે.
વધુમાં તેઓએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે નિલેશભાઈ અને તેમની ટીમે બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન કરવાનો જે યજ્ઞ શરુ કર્યો છે તેમાં તમે પણ મદદરૂપ બની બ્રેઈનડેડ વ્યક્તિના અંગોના દાન કરાવો. અંગો પરમાત્માએ આપેલી અનુપમ ભેટ છે, જેના દાન થકી બીજાને જીવનદાન મળે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાન થી 8થી 9 વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે.સુરત શહેરમાં અંગદાનનું કાર્ય જે રીતે થઇ રહ્યું છે તેનો એક પાયલોટ સ્ટડી બને તો ગુજરાતના અન્ય શહેરો અને જીલ્લાઓને તેમાંથી પ્રેરણા મળશે. ડોનેટ લાઈફને તેઓએ ગુજરાતમાં અંગદાનના ક્ષેત્રમાં કરેલા કાર્યો બદલ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1150 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 474 કિડની, 205 લિવર, 48 હૃદય, 38 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ,1 નાનું આતરડું અને 372 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1055 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.આ સન્માન સમારોહમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ડોનેટ લાઈફના ટ્રસ્ટીશ્રીઓ, શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત