
સુરત, 5 ઓગષ્ટ : મહિલા અને બાળ વિકાસ વિભાગ-સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે સુમુલ ડેરી ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં કાર્ય સ્થળે મહિલાઓ સાથે થતી શારીરિક અને માનસિક ગેરવર્તણૂક માટે ઘડાયેલા કાયદાઓ તેમજ દરેક સંસ્થાઓમાં રચાતી કમિટી અંગે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી.

રાજ્યભરમાં મહિલાઓના આર્થિક, સામાજિક અને નૈતિક ઉત્થાનને કેન્દ્રમાં રાખી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. સાપ્તાહિક ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સ્પેશિયલ બ્રાન્ચના ડે. પોલીસ કમિશનર હેતલ પટેલે આજના યુગમાં મહિલાઓને નીડર અને સાહસિક બનવાની પ્રેરણા આપી હતી. તેમણે સ્વઅનુભવો જણાવી મહિલાઓને નિયમિત વ્યાયામ અને મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા અને આત્મવિશ્વાસ કેળવી સ્વાભિમાન અને સુરક્ષા માટે અવાજ ઉઠાવવાની હિમાયત પણ કરી હતી.
કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી ગેરવર્તણૂક વિરૂધ્ધ નિમાયેલા કાયદાઓની વિસ્તૃતમાં જાણકારી આપતા એડવોકેટ અને પ્રોફેસર ડૉ.હેતલ રામાણીએ ઘર બહાર કામ કરવા જતી તમામ મહિલાઓને પોતાના અધિકારો અને સ્વસુરક્ષા માટેના કાયદાઓ વિશે જાગૃત થવાનો અનુરોધ કરી મહિલાઓને ઉંડાણપૂર્વક આ કાયદાઓની માહિતી આપી નીડરતાથી તેનો લાભ લેવા પ્રોત્સાહિત કારી હતી. તેમણે કયા અને કેવા પ્રકારના વ્યવહારને ગેરવર્તણૂક ગણી શકાય એ માટે દૃષ્ટાંત આપી વિસ્તારથી સમજાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના સાર્થક આર્ટ ફાઉન્ડેશન દ્વારા નાનકડા નાટક દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી માટેના (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ 2013) કાયદાઓની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. સાથે જ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલાઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે સ્પીપાના ડે.કલેકટર ખ્યાતિ પટેલ, મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી કે. મિની જોસેફ, સુમુલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ પુરોહિત, મહિલા અને બાળ અધિકારી બી.કે.ગામિત, દહેજ પ્રતિબંધક અને સહરક્ષણ અધિકારીઓ ડી.પી.વસાવા અને કે.વી.લકુમ, ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડીનેટર સ્મિતા પટેલ, મોટીવેશનલ સ્પીકર મુકેશ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત