સુરત : ચેમ્બર ઓફ કોમર્સ ખાતે Shaping of Surat A Story up a Trading Town વિષે સેશન યોજાયું

વેપાર જગત
Spread the love

સુરત, 6 ઓગસ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ટેચ, સુરત હેરિટેજ ટ્રસ્ટ અને ધરોહર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે રવિવાર, તા.6 ઓગષ્ટ, 2023ના રોજ સવારે 11 કલાકે સેમિનાર હોલ, એસઆઇઇસીસી કેમ્પસ, સરસાણા, સુરત ખાતે Shaping of Surat A Story up a Trading Town વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત તરીકે આર્કિટેકટ બિનિતા પંડયા અને આર્કિટેકટ સુમેશ મોદી દ્વારા 16મી અને 17મી સદીમાં, સુરતના બંદરેથી વિશ્વના 84 દેશો સાથે જે વ્યાપાર થતો હતો તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના બંદરેથી સુરતનો ઇતિહાસ શરૂ થાય છે. સુરતના માધ્યમથી ગુજરાત અને ભારત સાથે વિશ્વના 84 દેશોના વેપારીઓ 16મી અને 17મી સદીમાં વ્યાપાર કરતા હતા. તે સમયે ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ 150 પ્રકારના ફેબ્રિકસ સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. હવે તો ઘણી ટેકનોલોજી આવી ગઇ છે. તેમણે એસજીસીસીઆઇ ગ્લોબલ કનેકટ મિશન 84 વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત, ગુજરાત અને આખા ભારતને શેપ કરવાની જવાબદારી માત્ર વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નથી પણ આપણા સૌની છે. આપણે સૌએ સાથે મળીને નવું કઇક વેલ્યુ એડ કરવાની જરૂર છે.સુરતની પ્રોડકટની ઓળખ વિશ્વમાં થાય અને 84 દેશોમાં તેનું એક્ષ્પોર્ટ થાય તે દિશામાં શેપ આપવાનો છે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે, જે અંતર્ગત 84 હજાર ઉદ્યોગ સાહસિકો અને યુવાનોના ભવિષ્યને શેપ આપવાનો છે અને તેઓને નવી દિશા બતાવવાની છે. 84 દેશોમાં વસતા ભારતીયોને આ પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ કરવાનો છે અને એકબીજાના બિઝનેસ આઇડીયાઝની આપ–લે કરી ઉદ્યોગ – ધંધા માટે પ્રેરણા આપવાની છે.આ ઉપરાંત 84 ચેમ્બર ઓફ કોમર્સ આ યુવાનોને માર્ગદર્શન આપશે. તદુપરાંત 84 દેશોના કોન્સુલ જનરલ તથા ભારતમાં આ દેશોનું પ્રતિનિધિત્વ કરનારાઓને ઓનબોર્ડ કરવામાં આવશે. આ બધાએ સાથે મળીને માર્કેટ રિસર્ચ અને પ્રોડકટ રિસર્ચ કરીને વ્યાપારને વધારવાનો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અન્ય દેશોમાંથી આયાત થતા પ્રોડકટનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું છે અને અન્ય દેશોમાં તેનું એક્ષ્પોર્ટ પણ કરવાનું છે. આ મિશનને લઇને ચેમ્બર ઓફ કોમર્સ આગળ વધી રહયું છે અને તે માટે સુરત અને સમગ્ર ભારતના ઇતિહાસને જાણવાની જરૂર છે અને તેના અદ્ભુત વારસાને આગળ વધારવાની જરૂર છે.
આર્કિટેકટ બિનિતા પંડયાએ જણાવ્યું હતું કે, સુરતીઓ માટે યુનાઇટેડ, ફેશનેબલ, વાઇબ્રન્ટ અને મલ્ટી કલ્ચરલ વિગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને સુરતમાં વ્યાપાર કરવા માટે તુઘલક, આર્મેનિયન, મુગલ, પારસી, ખોજા અને યુરોપિયન આવ્યા હતા. સુરત પહેલાંથી જ ટ્રેડિંગ સિટી રહી છે. એક સમયે રાંદેર ખાતેથી ચાઇના, પેડકુ અને સુમાત્રા વિગેરે સાથે વ્યાપાર થતો હતો. વેપારી મલિક ગોપી સુરતમાં આવ્યા હતા અને ગોપીપુરા વિસ્તારને ડેવલપ કર્યું હતું. 16મી સદીમાં રાંદેરથી વેપારીઓ જાપાન તથા અન્ય દેશોમાં ગયા હતા અને ગુજરાતના વ્યાપારિક કેન્દ્ર સુરત વિષે જાણકારી આપી હતી.17મી સદીમાં સુરત એ ટ્રેડ સેન્ટર બની ગયું હતું અને ચાઇના અને જાપાન સાથે કનેકટેડ હતું. સુરતની પ્રોડકટ સિલ્ક અને કોટનનો ઉપયોગ ચાઇના અને સાઉથ આફ્રિકાના લોકો કરતા હતા. તે સમયે સુરતના રાંદેર, ખંભાત અને ભરૂચથી વેપાર થતો હતો. 17મી સદીમાં જર્મન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને બ્રિટીશ વેપારીઓ સુરત આવ્યા હતા. તે સમયે અમેરિકન વેપારીઓને કોટન જોઇતું હતું, જે સુરત તેઓને પૂરુ પાડતું હતું. સુરતમાં તે સમયે કોટન ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ હતી. એટલે સુરતથી તેઓને કોટન એક્ષ્પોર્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ સુરત ખાતે એમ્બ્રોઇડરી, જરી અને જરદોશી વર્ક થવા લાગ્યું હતું. સુરત ખાતે પારસી સ્ટાઇલમાં જરદોશી થતું હતું.
આર્કિટેકટ સુમેશ મોદીએ જણાવ્યું હતું કે, વ્યાપારિક દૃષ્ટીએ 16મી અને 17મી સદીમાં સુરત આખા વિશ્વમાં ઘણું જાણીતું થઇ ગયું હતું. કારણ કે તે સમયે વેપારીઓ દરિયાઇ માર્ગે સુરતમાં વ્યાપાર કરવા માટે આવતા હતા. ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ સમુદ્રની ઊંડાઇ ઘણી વધારે હોવાથી શીપ ખંભાત અને ગોથા જઇ શકતા ન હતા તેથી આ બધા શીપ સુરતના કિનારે આવતા હતા.14મી સદીમાં ગુજરાત સલ્તનત ઉભું થયું હતું. ૧૪મીથી 1573 સુધી વિવિધ દેશો સાથે ખૂબ જ શાંતિપૂર્વક વ્યાપાર થયો હતો.16મી સદીમાં સુરતમાં 2 લાખ લોકો વસવાટ કરતા હતા. સુરતીઓ ઘણા ઉદ્યોગ સાહસિકો હતા અને અન્ય દેશોમાં જઇને વ્યાપાર કરતા હતા. સુરત તે સમયે આગ્રા, બુરહાનપુર, અમદાવાદની સાથે કનેકટેડ હતું. જ્યારે ઔરંગાબાદ અને હૈદરાબાદ થકી મછલીપટ્ટનમ સાથે જોડાયેલું હતું. આ રૂટથી મટિરિયલ્સ સુરત આવતું હતું અને સુરતમાં પ્રોડકટ બનતી હતી અને અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ થતી હતી.16મી સદીમાં વ્યાપારીઓને બિઝનેસ કરવા માટે વ્યાજે રૂપિયા મળતા હતા, સાથે હુંડી સિસ્ટમ પણ ચાલતી હતી. સુરત શહેરના નાણાંવટ વિસ્તારમાં આ સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત તે સમયે અન્ય દેશોની કરન્સી પણ કન્વર્ટ થતી હતી. જેને કારણે બ્રિટીશ અને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં વ્યાપાર કરવા માટે આવી હતી. સુરત બીજા પાસેથી મટિરિયલ ખરીદીને કપડું બનાવતું હતું અને ત્યારબાદ સુરતથી એક્ષ્પોર્ટ કરતું હતું. સુરતના બંદરે તે સમયે વર્ષે 1600થી 1710 શીપ ચાલતા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલા અને યાર્ન પ્રદર્શનના ચેરમેન ગિરધરગોપાલ મુંદડા સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને સર્વેનો આભાર પણ માન્યો હતો. ધરોહર ફાઉન્ડેશનના ડાયરેકટર પ્રકાશ હાથીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. શ્રોતાઓના વિવિધ સવાલોના બંને આર્કિટેકટ વકતાઓએ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *