
સુરત, 08 ઓગસ્ટ : પ્રાયોજના વહીવટદારની કચેરી, માંડવી દ્વારા આદિવાસી બંધુઓના વિકાસની કામગીરી વેગવંતી બની છે. સુરત જિલ્લામાં મુખ્યત્વે આદિજાતિ, હળપતિ, આદિમજુથની વસ્તી છે. તેમના આર્થિક વિકાસ માટે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી-(ટ્રાઈબલ સબ પ્લાન કચેરી- TSP) દ્વારા સરકારની ન્યુ ગુજરાત પેટર્ન યોજના, ન્યુક્લિઅસ બજેટ, હળપતિ વિકાસ, આદિમજુથ વિકાસ, ફોરેસ્ટ રાઇટ એકટ-૨૦૦૬ જેવી વિવિધ યોજનાઓ અમલમા મુકવામાં આવી છે.‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના’માં મુખ્યત્વે કૃષિલક્ષી, જમીન સંરક્ષણ, પશુપાલન, ડેરી, મત્સ્યોદ્યોગ, વનવિકાસ, સિંચાઇ, વિજળી, તાલીમ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પોષણ વગેરે પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ.26.47 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હળપતિ વિકાસ’ યોજના અન્વયે સુરત જિલ્લામાં વસતા હળપતિ સમૂદાયના નાગરિકો માટે આવાસ, રસ્તા, વિજળી, પાણી, શિક્ષણ અને આજીવિકા સહિતની પાયાની 6 સુવિધાઓનો સમાવેશ કરાયો છે, અને તેની રૂ.21.53 કરોડની વાર્ષિક જોગવાઇ કરાઈ છે.
આદિમજુથ વિકાસ’ યોજના હેઠળ સુરત જિલ્લાના આદિમજુથ જાતિના લોકો માટે મૂળભૂત 6 સુવિધાઓની સાથે આદિમજુથ પ્લાન, કલા, કૌશલ્ય, સી.સી.ડી પ્રોજેકટ સહિતની અન્ય સુવિધાઓની શરૂઆત પણ કરાઇ છે. આદિમજુથ કલા અને સી.સી.ડી. પ્રોજેકટમાં આદિમજુથ લોકોની જરૂરીયાત મુજબનું આયોજન કરીને યોજનાઓ મંજુર કરાવવામાં આવે છે. જેમા આદિમજુથ પાયાની 6 સુવિધા માટે રૂ.1.43 કરોડની યોજના મંજુર કરવામાં આવી છે. ‘ન્યુક્લિઅસ બજેટ’ હેઠળ શિક્ષણ, પશુપાલન, કૃષિ, આરોગ્ય, તાલીમ વગેરે પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ.2.10 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. ‘ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ડી-સેગ’ અમલિકૃત યોજના હેઠળ સંકલિત ડેરી વિકાસ યોજના, કૃષિ વૈવિધ્ય કરણ યોજના, મંડપ યોજના માટે રૂ.6.27 કરોડની વાર્ષિક જોગવાઈ કરવામાં આવી છે.

‘દુધ સંજીવની યોજના’ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડા, બારડોલી અને મહુવા તાલુકાઓમાં કાર્યરત છે. જેમાં પ્રાયોજના કચેરી દ્વારા દુધના પાઉચ તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપવામાં આવે છે. તાલુકાઓની પ્રાથમિક અને આશ્રમ શાળાઓમાં ભણતા બાળકોને આ યોજનામાં આવરી લેવામાં આવે છે. આ યોજના મતે તમામ તાલુકાઓ મળી રૂ 7.34 કરોડની મંજૂરી મળી છે.‘વન અધિકાર અધિનિયમ’ હેઠળના લાભાર્થીઓને ‘વનવાસી ખેડૂત સશક્તિકરણ યોજના’ હેઠળ સિંચાઇ માટે 10એચ.પી. હોન્ડા મશીન અને પાઇપ સાથેના લાભો આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ.25 તથા રાજ્ય સરકાર તરફથી રૂ.30 લાખ મળી કુલ રૂ.55 લાખની ગ્રાંટ જોગવાઇ 55 લાભાર્થી માટે મંજુર કરવામાં આવેલ છે.
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી લાભાર્થીઓને વિદેશ અભ્યાસ, પાયલોટ તાલીમ, નાહરી કેન્દ્ર, ટ્રેક્ટર વીથ ટ્રોલી, બોલેરો પિક અપ, પેસેન્જર વાન, પોલ્ટ્રી ફાર્મ, ઓટો રિક્ષા વગેરે માટે 4% ના ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે. ‘પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના’ અંતર્ગત શાળાઓમાં ઓરડા બાંધકામ, આંગણવાડી, હેલ્થ સેન્ટર, પીવાના પાણીની સુવિધા, ગટર લાઇન, સ્કીલ ટ્રેનિંગ, રોડ સહિતની સુવિધાઓ થકી કુલ 366 ગામોના વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી રૂા.74.59 કરોડની ગ્રાંટની જોગવાઇ કરવામાં આવી છે.આમ આદિવાસી બંધુઓના ઉત્થાનને કેન્દ્રસ્થાને રાખી સરકાર દર વર્ષે વિવિધ યોજનાઓના માધ્યમથી તેમનો સર્વાંગી વિકાસ થાય અને સમાજમાં તેઓને સમાનતાના સ્તરે આ લાભો આપવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત