
સુરત, 9 ઓગસ્ટ : રાજયના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.9મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે ધારાસભ્ય પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે ઉમરપાડા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ યોજનાઓ હેઠળ સાધન સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.રાજયનો આદિજાતિ સમાજ સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા. આદિવાસી સમાજના દિકરા-દીકરીઓ ભણી ગણીને પાયલોટ, ડોક્ટર અને એન્જિનિયર બનીને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરી તેમને રોજગારી મળી રહે તે માટે કાર્ય થઈ રહ્યું છે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શારદા ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરતો સમાજ છે. બદલાયેલા સમય સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિનું જતન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આદિવાસી સમાજની ભવિષ્યની પેઢી શિક્ષણ અને સંસ્કારો સાથે વિશ્વમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના તેમણે પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં ગુણસદા ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું .કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત, અગ્રણી હર્ષદ ચૌધરી, પંચાયતના સભ્યો, વનવિભાગ, આદિવાસી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત