
સુરત,31 ઓગસ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત શનિવાર, 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સાંજે 4: 30 કલાકે પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય મંત્રી સરકાર, ઉદ્યોગકારો પાસે શું અપેક્ષા રાખે છે તે બાબતે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે. સાથે જ ઉદ્યોગકારો પણ સરકાર પાસે વ્યાપાર અને એક્ષ્પોર્ટને વધારવા માટે શું ઇચ્છી રહયા છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને 1 ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઇ રહયા છે. જેના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયાની હાજરીમાં એક્ષ્પોર્ટ કરનારા ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ વધારવા માટે તેમજ નવા ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સ્વયંભૂ સંકલ્પ લેશે.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, જેમ એન્ડ જ્વેલરી, સોલાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જીનિયરીંગ, ડિફેન્સ પ્રોડકટ્સનું ઉત્પાદન કરતા તેમજ એક્ષ્પોર્ટ કરતા ઉદ્યોગકારોને જોડવામાં આવશે અને તેઓને પણ તેઓનું એક્ષ્પોર્ટ વધારવા હાંકલ કરવામાં આવશે. આ ઉદ્યોગકારો પણ એક્ષ્પોર્ટ વધારવા માટે સ્વયંભૂ સંકલ્પ લેશે. આવી રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે મિશન 84 અંતર્ગત પ્રયાસ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થ વ્યવસ્થાને મજબુત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ વર્ષે SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે, જેની સાથે ગુજરાતના 84000 ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા 84000 ભારતીય ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત