સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનાર યોજાયો : યુવતિઓને માર્ગદર્શન અપાયું

સામાજીક
Spread the love

સુરત,06 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ચેમ્બર ઓફ કોમર્સ– સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, 6 સપ્ટેમ્બર,2023ના રોજ બપોરે 12 કલાકે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે સુપ્રિમ કોર્ટના વકિલ પ્રિતિ જોશીએ વિદેશ પરણવાની ઇચ્છા ધરાવનાર યુવતિઓને મહત્વની તકેદારીઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગરના મામલતદાર રિદ્ધિ પરમારે પ્રતિષ્ઠાન વિષે માહિતી આપી બિન નિવાસી ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કરાતા વિવિધ પ્રયાસો વિષે જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા યુવાનો સાથે લગ્ન કરતી વખતે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ભૂલમાં પણ કયાંક ભૂલ ન થાય અને યુવતિઓનું જીવન બરબાદ ન થાય તે માટે રાજ્ય સરકારની સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સ પણ વિચારે છે અને યુવતિઓને કેટલીક મહત્વની બાબતોથી અવગત કરાવવા માટે પ્રયાસ કરે છે. જેના ભાગ રૂપે યુવતિઓને માર્ગદર્શન આપવા હેતુ આ સેમિનાર યોજાયો છે.

મુખ્ય વકતા સુપ્રિમ કોર્ટના વકિલ પ્રિતિ જોશીએ જણાવ્યું હતું કે, દિન પ્રતિદિન ભારતમાંથી વિદેશ જઇને વસનારાઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને તેની સાથે લગ્નમાંથી ઉભી થતી સમસ્યાઓનો પણ વધારો થઇ રહયો છે અને તેને કારણે કેટલીક વખત જટિલ પ્રશ્નો ઉભા થતા હોય છે. બિન નિવાસી ભારતીયો સાથેના લગ્નની બાબતમાં માત્ર ભારતીય કાયદા જ નહીં, પરંતુ જે તે દેશની વધુ જટિલ કાનૂની પ્રથા સાથે જોડાયેલા ખાનગી અને આંતરરાષ્ટ્રીય કાયદા પણ લાગુ પડતા હોય છે, આથી આવા લગ્નોમાં જોખમ વધુ રહે છે. ભાષાની મર્યાદા, સ્થાનિક પોલિસ અને કાનૂની પ્રથાની જાણકારીનો અભાવ અને ઝડપી મળી રહે તેવી નાણાંકીય સહાય તેમજ મુશ્કેલીના સમયમાં આશ્રય મેળવી શકાય એવા સ્થાનનો અભાવ જેવી અનેક સમસ્યાઓનો સામનો યુવતિઓને કરવો પડે છે, આથી યુવતિઓએ જે દેશમાં પરણવું હોય ત્યાંની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, જીવનશૈલી અને ઘરના માહોલને ધ્યાનમાં રાખીને જ પરણવું જોઇએ. જે યુવાન સાથે પરણવું છે તેના વિષેની ચોકકસ માહિતી મેળવવી જોઇએ.

વકિલ પ્રિતિ જોશીએ યુવતિઓને વિદેશમાં લગ્ન કરતા પહેલા મહત્વની તકેદારી રાખવાની સલાહ આપી હતી. તેમણે કહયું હતું કે, લગ્ન માટે કોઇ બ્યુરો, એજન્ટ, દલાલ કે મધ્યસ્થી પર આંધળો વિશ્વાસ ન મૂકવો. કોઇ પણ કારણોસર બનાવટી દસ્તાવેજો કરવા માટે તૈયાર ન થવું, લગ્નના આધારે ગ્રીનકાર્ડ મેળવી આપવાના વચનોથી ભોળવાઇ જઇ લગ્ન નહિ કરવા, બીજા દેશમાં જઇ લગ્ન કરવાનો પ્રસ્તાવ ન સ્વીકારવો, વિદેશમાં રહેતી વ્યકિતનો લગ્ન દરજજો એટલે કે વ્યકિત કુવારી છે, છુટાછેડા કે વિધુર/વિધવા છે, ત્યકતા છે વિગેરેની ચકાસણી કરવી જોઇએ. આ ઉપરાંત ઇમીગ્રેશન સંબંધી સ્થિતિ, વીઝાના પ્રકાર, વિદેશમાં રહેવા તથા પતિ – પત્ની તરીકેની પાત્રતા, નાણાંકીય સંબંધી સ્થિતિ, સંપત્તિ, રહેઠાણનું સરનામું અને કુંટુંબની પાર્શ્વભૂમિ વિગેરે મુદ્દાઓની તકેદારીપૂર્વક ચકાસણી કરવી જોઇએ.
મામલતદાર રિદ્ધિ પરમારે ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિન નિવાસી ગુજરાતીઓ એટલે કે એવા ગુજરાતીઓ કે જે ગુજરાત રાજ્યની બહાર હોય કે પછી દેશની બહાર વસેલા હોય તેમના માટે આ સંસ્થા પ્રયાસ કરે છે. ગુજરાતના લોકોની વિદેશમાં વસવાની ઘેલછા આજની નહીં પણ ઘણા વર્ષો પહેલાની છે. આજથી સાત – આઠ હજાર વર્ષ પહેલા પણ ગુજરાતીઓ વિદેશ જતા હતા અને બિઝનેસ કરતા હતા, આથી બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયોને ઉદ્ભવતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આ પ્રતિષ્ઠાન કાર્યરત છે. જે ગુજરાતીઓ ફરીથી ગુજરાતમાં વસવા માટે પ્રયાસ કરે છે તેઓને ગુજરાત સરકાર મદદરૂપ થાય છે. તેમણે એનઆરજી સેન્ટર તથા તેના કાર્યક્ષેત્ર વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.

વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરતના પ્રો–વોસ્ટ ડો. દક્ષેશ ઠાકરે જીવનમાં સૌથી મહત્વની ત્રણ બાબતો વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી બાબત છે જન્મ, જન્મ જેવી મહત્વની ઘટના જે આપણા હાથમાં છે જ નહીં. બીજી છે મૃત્યુ, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે છતાં એ કયારે આવે એ અનિશ્ચિત છે. અને ત્રીજી મહત્વની બાબત છે લગ્ન. લગ્ન પણ ખૂબ જ ગંભીર વિષય છે અને લગ્ન કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઇએ તેવી સલાહ તેમણે યુવતિઓને આપી હતી.
ચેમ્બરની એનઆરજી કમિટીના ચેરમેન કલ્પેશ લાઠીયાએ વકતા પ્રિતિ જોશીનો પરિચય આપ્યો હતો. SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન ગણેશ પમનાનીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *