સુરત,06 સપ્ટેમ્બર : પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શનાજરદોશનાં નેજા હેઠળ દેશમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગના વિકાસ, અપગ્રેડેશન અને વિશ્વભરમાં ટેક્સ્ટાઇલની નિકાસ વધે એ માટે શ્રેણીબદ્ધ પહેલ કરવામાં આવી છે જેમાં સુરત સહિત પીએમ મિત્રા ટેક્સ્ટાઈલ પાર્કનો પણ સમાવેશ થાય છે. એવી જ રીતે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે અને ટેક્નૉલોજી ટ્રાન્સફર સરળ થાય, ટેક્સ્ટાઈલ અને ખાસ કરીને વીથિંગ ઉદ્યોગમાં આધુનિકતા આવે એ હેતુથી તાજેતરમાં અમુક ચોક્ક્સ લૂમ્સ મશીનની આયાત પર કસ્ટમ્સ ડ્યુટી 8.25%થી ઝીરો કરવામાં આવી હતી. જો કે તેમાં જાહેરનામાંની વિસંગતતાને લીધે સુરતના વીવર્સ તેનો લાભ લઈ ન શકતા હોવાની રજૂઆત વીવર્સ તરફથી દર્શનાબેનને કરવામાં આવી હતી. દર્શનાબેને આ મામલે પિયુષ ગોયલના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલયને વીવર્સની રજૂઆતથી વાકેફ કરીને આ વિસંગતતા દૂર કરવા કહ્યું હતું. તેમની રજૂઆતને પગલે નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગે જાહેરનામાંમાં સુધારો કરતા હવે સુરતના વીવર્સને પણ તેનો લાભ મળશે.
સુરતના વીવર્સ ત્રણ પન્ના રેપિયર જેકાર્ડ જેવા લૂમ્સ આયાત કરે છે પણ 650 આરપીએમ પર ચાલે છે એવો ઉલ્લેખ ન હોવાથી ઝીરો ડ્યુટીનો લાભ મળતો ન હતો, હવે સુધારેલા જાહેરનામા મુજબ 650 આરપીએમની ઉપરના શટલલેસ રેપિયર લૂમ, 800 મીટર્સ પર મિનિટના શટરલેસ વોટરજેટ લૂમ્સ, 1000 મીટર પર મિનિટ્સની ઉપરના શટરલેસ એરજેટ લૂમ્સની આયાત ઝીરોં કસ્ટમ ડ્યુટીએ થઈ શકશે. શટરલેસ લૂમ્સના ભાગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક ઉદ્યોગકારે કહ્યું કે 700 મશીનો પર કસ્ટમ ડ્યુટી 8.25% ભરવી પડતી હતી એમાંથી હવે મુક્તિ મળશે
દર્શનાબેન એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જવાબદાર, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર પર ચાલતી સરકાર છે અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના વિકાસ માટે વાજબી માગણીઓ સતોષવા હંમેશા કટિબદ્ધ અને તત્પર રહે છે. ટેક્સ્ટાઇલ મંત્રાલય દ્વારા હંમેશા સૌથી વધારે હિતધારકો સાથે વાત કરી, વિચાર વિમર્શ કરી તેમની માગણીને ન્યાય આપવામાં આવે છે. વધુમાં કહ્યું કે, સરકારમાં મંત્રાલયો વચ્ચે વાડાબંધી નથી એટલે આંતર મંત્રાલયો વચ્ચેના પ્રશ્નો પણ સહેલાઇથી ઉકેલાય જાય છે. આ વિસંગતતા દૂર થવાથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગ વધારે ઉત્પાદકીય ગુણવત્તાયુક્ત, સ્પર્ધાત્મક અને અપગ્રેડ બનશે અને નિકાસમાં વધુ યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સુરતના ટેક્સ્ટાઇલ ખાસ કરીને વીવર્સે આ વિસંગતતા દૂર કરવા બદલ દર્શનાબેન, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નાણાં મંત્રાલયનો આભાર માન્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત