સુરત,12 સપ્ટેમ્બર : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને વાર્ષિક રૂ.6000ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાય છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી 15મો હપ્તો ચુકવવા જઇ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સુચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને 15મા હપ્તાનો લાભ મેળવવા માટે તા.30મી સપ્ટેમ્બર સુધીમાં પી.એમ. કિસાનમાં E-KYC, લેન્ડ સીડીંગ અને બેંક ખાતામાં આધાર સીડીંગ અને DBT Enable થયેલ હોવું અનિવાર્ય છે. જો તેમ નહીં કરાય તો એ પછી પી.એમ. કિસાન યોજના હેઠળ મળનાર સહાય બંધ થવાની શકયતા રહેલી છે. સુરત જિલ્લાના 23,000 લાભાર્થી ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવ્યું નથી. હાલ પી.એમ કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. ખેડૂત લાભાર્થી ઈ-કેવાયસી કરાવવા કોમન સર્વિસ સેન્ટર (CSC), ઈ-ગ્રામ સેન્ટર, ગ્રામ્ય લેવલે વીસીઈ અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી ઈ-કેવાયસી કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
જે લાભાર્થીઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધારસીડીંગ બાકી હોય તો જે-તે બેંકનો સંપર્ક કરી કરાવી શકે છે અથવા નજીકની પોસ્ટ ઓફીસ શાખાની ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેંકમાં કોઇપણ ફોર્મ ભર્યા વગર આધારસીડીંગ/DBT Enable વાળુ ખાતુ ખોલાવી શકે છે અને સાથોસાથ ઇ-કે.વાય.સી. પણ કરાવી શકે છે. આ માટે લાભાર્થીએ આધારકાર્ડ અને મોબાઇલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે.વધુમાં લેન્ડ સીડીંગ કરાવવા માટે ગ્રામ્ય કક્ષાયે તલાટી/સીટી તલાટી અને ગ્રામસેવકનો રૂબરૂ સંપર્ક કરી જમીનના ખાતા નંબર, સર્વે નંબર, હક્ક પત્ર તથા અધારકાર્ડની નકલ આપી લેન્ડ સીડીંગ કરી શકાશે. ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ ‘આધાર બેઝ્ડ’ પેમેન્ટના અનુસાર કરવામાં આવે છે. અર્થાત લાભાર્થી ખેડુતોના આધાર સીડેડ બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જેથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ આગામી 15 માં હપ્તાનો લાભ મેળવવા લાભાર્થી ખેડૂતોએ ફરજીયાત લેન્ડ સીડીંગ, E-KYC અને બેંક ખાતામાં આધાર સીડીંગ/DBT Enable કરાવી લેવા માટે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત