
સુરત,12 સપ્ટેમ્બર : અંગદાન મહાદાનની ઉકિતને સાર્થક કરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થયું હતું. મુળ મહારાષ્ટ્રના પોહરે તાલુકાના ચાલિસગાવ વતની અને પલસાણા તાલુકાના ગંગાધરા ગામની રહી સોસાયટી ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા 52 વર્ષીય બ્રેઈનડેડ બાપુજી તાન્હા ધનગરની બે કિડની દાન પ્રાપ્ત થયું હતું. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી 43મુ અંગદાન થતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાપુજી તાન્હા ધનગર 9 સપ્ટેમ્બર-2023ના રોજ રીક્ષા ચલાવીને સાંજે 10:30 ઘરે આવ્યા હતા. રીક્ષામાંથી ઉતરીને અચાનક પડી ગયા હતાં. જેના કારણે માથાનાં ભાગે ઇજા થઇ હતી. ત્યારબાદ જમીને સુઈ ગયાં હતાં. સવારે બેભાન હાલતમાં હોવાથી નજીક્ના પલસાણાની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલનાં તબીબોના કહેવાથી 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 9:53 કલાકે સવારે 108માં ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સધન સારવાર બાદ 12મી સપ્ટેમ્બરના રોજ 12:38 AM વાગે ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ, ન્યુરો સર્ઝન ડો.કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.ધનગર પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેમની પરિવારમાં પત્ની માંડાબાઇ તથા ત્રણ પુત્રીઓમાં વર્ષાબેન, પુજાબેન, દિપાલીબેન તથા પુત્ર વૈભવભાઈ ધનગર છે. આજે 12મીએ સવારે બ્રેઈનડેડ બાપુજીના બે કિડનીઓનું દાન સ્વીકારીને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી.
આમ સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલના નર્સિગ, સિકયુરીટી સ્ટાફ સૌના સહિયારા પ્રયાસોના પરિણામે આજે 43મું સફળ અંગદાન થયું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત