લસકાણા ગામમાં સગર્ભા મહિલા માટે દૂધ સંજીવની યોજના બની રહી છે જીવનરક્ષક

સ્થાનિક
Spread the love

સુરત,15 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કુપોષણથી મુક્ત કરવા માટે પોષણયુકત ભારતનો સંકલ્પ કર્યો છે. ‘સહી પોષણ, દેશ રોશન’ના નામે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવ્યા છે. ‘પોષણ માસ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા સગર્ભા મહિલાઓ તથા બાળકનો વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા પોષ્ટીક આહાર આપવામાં આવે છે.
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘રાષ્ટ્રીય પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના પોષણમાં સુધારો કરવાનો છે.0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અતે સ્તનપાન કરાવતી માતાઓને પુરતું પોષણ તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે નજીકની આંગણવાડી ખાતે પોષણ સુધા યોજના હેઠળ મહિલાઓને સગર્ભાવસ્થાથી શિશુ જન્મના 6 મહિનાઓ સુધી લાભ આપવામાં આવે છે. દર મહિને 25 દિવસ સુધી નજીકની આંગણવાડી કેન્દ્રમાં એક ટાઈમનું બપોરનું પોષકતત્વો યુક્ત સંપુર્ણ ભોજન આપવામાં આવે છે.સગર્ભા મહિલા અને બાળકની સલામતી માટે પોષણ અને વિકાસની દૃષ્ટિએ ગર્ભાવસ્થાના 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના730 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનું મહત્વ જોઈને રાજ્ય સરકારે આ 1000 દિવસો સુધી સગર્ભા મહિલાઓના પોષણ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને મુખ્યમંત્રી દુગ્ધ સંજીવની યોજના અમલમાં મૂકી છે.
કામરેજના લસકાણા ગામમાં રહેતી 7 મહિનાની સગર્ભા પારૂલપરમારે કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રી પોષણ સુધા યોજના’ વિશે લસકાણાની આંગણવાડી-1ની બહેનો પાસેથી જાણકારી મળી હતી. વધુમાં તેઓ જણાવે છે કે,જ્યારે હું 2 મહિનાની સગર્ભા હતી ત્યારે આંગણવાડીના બહેનોએ મારું નામ ‘મુખ્યમંત્રી પોષણ સુધા યોજના’માં નોંધાવ્યું હતું. ત્યારે મારું વજન 37 કિલો જેટલું ઓછું હતું. પરંતુ જ્યારથી ‘મુખ્યમંત્રી પોષણ સુધા યોજના’ હેઠળ આંગણવાડી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજન લઉ છું ત્યારથી મારી સ્વાસ્થ્યમાં સતત સુધારો થયો છે. અત્યારે મારૂ વજન 47 કિલો છે. અઠવાડિયાના સાતે દિવસે ખાવાનું મેનુ અલગ-અલગ હોય છે. અમે દરરોજ આંગણવાડીમાં હાજર રહીએ છીએ અને તમામ સગર્ભા મહિલાઓ સાથે ભોજન કરીએ છીએ. અઠવાડિયા દરમિયાન પરાઠા, દાળ-ભાત, હલવો, સુખડી વગેરે જેવા પૌષ્ટિક વ્યંજનો આપવામાં આવે છે. આંગણવાડીમાં આવવામાં કયારેક સમસ્યા હોય ત્યારે આંગણવાડી બહેનો દ્વારા ઘર આંગણે જ ટીફીન વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
પારૂલબેને વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મને દર મહિને ચાર પૌષ્ટિક ફૂડ પેકેટ મળે છે એમાંથી હું વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને નિયમિત આહાર લઉ છું. જેમ કે હલવો, ઢોકળા, થેપલા સહિત દૂધ સંજીવની યોજના થકી મને અઠવાડિયામાં બે વાર નિયમિતપણે દૂધ મળે છે. આ યોજના સાચા અર્થમાં મારા માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે તે બદલ થઈ હોવાનું તેઓ જણાવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *